મંગળવાર, 26 જુલાઈ, 2011

પ્રેમ કોઇનો મળે સહેલું નથી,
શબ્દમાં કહેવાય એ વહેલું નથી.

એકલો છોડી મને ચાલ્યા પિયર,
આ રિસાવું એમનું પહેલું નથી.

પ્રેમનું સ્વાગત કરો પથ્થર વડે,
શાસ્ત્રમાં ક્યાંયે એવું કહેલું નથી.

દર્દ જે મળશે વિરહમાં, એટલું
પ્રેમ કરવામાં ભલા રહેલું નથી.

કેટલી ફરિયાદ તારી શ્યામને,
પ્રીતમાં રાધા સમું ઘેલું નથી.

-જયવદન વશી

શુક્રવાર, 16 એપ્રિલ, 2010

ખુદની કિંમત જો તમે આંકી શકો, શક્ય છે બ્રહ્માંડને માપી શકો.
કાળમીંઢા કાળજા કૂણા પડે ! સાવ સાચું સ્મિત જો આપી શકો.
આવનારી પેઢીઓ લણતી રહે, સદવિચારો જો તમે વાવી શકો.
માછલીએ પૂછ્યું માછીમારને : આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?
આ પવનની પાલખી તૈયાર છે, પુષ્પતાને જો તમે પામી શકો.
- સુરેશ વિરાણી

મંગળવાર, 25 ઑગસ્ટ, 2009

આદમી થઈને.

રુએ શું આમ આદમી થઈને ! રાખજે હામ, આદમી થઈને.
વાડ ને વાદથી ઉપર ઊઠી, ફર સરેઆમ આદમી થઈને.
આવકારો બધે મળી રહેશે, આવજે આમઆદમી થઈને.
આદમી થઈ જીવી જવાનો તું, આપ પૈગામ આદમી થઈને.
થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા, એવું કર કામ આદમી થઈને.
અવતરણ નહિ મળે ફરી ‘સુધીર’ કાઢજે નામ, આદમી થઈને.
- સુધીર પટેલ

સનદ આપે !

હદ વગરનું પ્રથમ દરદ આપે,
બાદ મીરા સરીખું ૫દ આપે !

કીડી કે ગજ સમું છો કદ આપે,
ચાહું કે લેશ ૫ણ ના મદ આપે !

કોઇ ઉઘારી એ ચલાવે ન‍હી,
એ સમય છે, બઘું નગદ આપે !

ચાલ જીવનની ટૂંકી દઇ,
એ રમતને ના કોઇ હદ આપે !

કર સમર્પિત સ્‍વયંને તું ‘સુઘીર’,
શકય છે પ્રેમની સનદ આપે !
- સુઘીર ૫ટેલ

બચાવે છે મને !

સમયના વ્હેણમાં કેવો વહાવે છે મને,
ડૂબાડે તો કદી સરસર તરાવે છે મને.

પ્રથમ કો’ અટપટા માર્ગે ફસાવે છે મને,

પછી મોઘમ ઇશારાથી બચાવે છે મને !

નથી કોઈ ખબર એનાં રહસ્યોની મને,

નહીં તો ખાસ અંગતમાં ગણાવે છે મને !

ફરક બસ એટલો કે અન્યને દેખાય નહિ,

અરીસા જેમ પોતામાં છુપાવે છે મને !

નહીં તો કેમ એને હું મળું ક્યારેય પણ ?

ભીતર જોજનનાં જોજન ચલાવે છે મને !

અમસ્તા કોઈને સૂઝે નહીં શબ્દો ‘સુધીર’,

કૃપા એની ગઝલ કાયમ લખાવે છે મને.
-સુધીર પટેલ

સુંદરમાં રહો !

ના અર્થમાં કે ફક્ત અક્ષરમાં રહો,
સંવાદના નાજુક સૌ સ્તરમાં રહો !

અંજળ હશે તો આવી ચડશું કોઈ વાર,
એકાદ સાંજે એમ બસ ઘરમાં રહો !

બિન્દાસ ના રહેશો અજાણ્યા શ્હેરમાં,
થોડી ફિકર સાથે જરા ડરમાં રહો !

બસ એ જ મારું ને કલાપીનું મનન,
સુંદર બનો ને એમ સુંદરમાં રહો !

નડતર નહીં તો માર્ગમાં બનશો ‘સુધીર’,
ઉંબર નહીં, કોઈના અંતરમાં રહો !
સુધીર પટેલ

બધું છોડી ઊભા

ત્યાં તળેટી પર બધું છોડી ઊભા
ને ગઝલને ટોચ પર ખોડી ઊભા

જલ, ભૂમિ, આકાશ, અગ્નિ ને હવા
એ બધાથી તંતુ કૈં જોડી ઊભા

શું તરી જાવું કે ડૂબવું નાખુદા
રણ વચાળે રાખીને હોડી ઊભા

રંગ આવીને ભરે મોસમ કદી
વૃક્ષ-ચિત્રો ભીંત પર ચોડી ઊભા

જોઇ જોઇ ખૂદને બસ થાકી ગયા
એટલે દર્પણ બધાં ફોડી ઊભા

એ પછી પણ ક્યાંય ના પહોંચ્યા ‘સુધીર’
જેટલું દોડાયું તે દોડી ઊભા
સુધીર પટેલ