મંગળવાર, 4 ઑક્ટોબર, 2011

હરિ, ભલે હુંશિયારી મારો, પણ અક્કલમાં ટાંચા
અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા

ફૂલ તો છોડો, ફૂલ ઉપરનું ઝાકળ પણ ના તોડ્યું,
મટકી ફોડી પણ એકઝામનું એક્કે પેપર ફોડ્યું ?
ફોડ્યું હોત તો ગુરુએ બે ત્રણ માર્યા હોત તમાચા

મથુરા જઈ મામો ટચકાવ્યો તેમાં ધાડ શું મારી ?
ઐં તો આખો દેશ ટપોરી જેવો મન પર ભારી !
લોહી વહે કે આંસુ, બંને હણતાં સૌની વાચા…..

ઐં તો ચોખાદાળના ભાવો સાથે રોજ પનારો,
હરિ, તમે તો ભાવના ભૂખ્યા, બોલો ભાવ તમારો
ભાવ વગરના ભાવ સમજવામાં તો હરિ પણ કાચા

હરિ, ભલે હુંશિયારી મારો, પણ અક્કલમાં ટાંચા
અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા

રવીન્દ્ર પારેખ

મંગળવાર, 26 જુલાઈ, 2011

પ્રેમ કોઇનો મળે સહેલું નથી,
શબ્દમાં કહેવાય એ વહેલું નથી.

એકલો છોડી મને ચાલ્યા પિયર,
આ રિસાવું એમનું પહેલું નથી.

પ્રેમનું સ્વાગત કરો પથ્થર વડે,
શાસ્ત્રમાં ક્યાંયે એવું કહેલું નથી.

દર્દ જે મળશે વિરહમાં, એટલું
પ્રેમ કરવામાં ભલા રહેલું નથી.

કેટલી ફરિયાદ તારી શ્યામને,
પ્રીતમાં રાધા સમું ઘેલું નથી.

-જયવદન વશી