મંગળવાર, 25 ઑગસ્ટ, 2009

આદમી થઈને.

રુએ શું આમ આદમી થઈને ! રાખજે હામ, આદમી થઈને.
વાડ ને વાદથી ઉપર ઊઠી, ફર સરેઆમ આદમી થઈને.
આવકારો બધે મળી રહેશે, આવજે આમઆદમી થઈને.
આદમી થઈ જીવી જવાનો તું, આપ પૈગામ આદમી થઈને.
થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા, એવું કર કામ આદમી થઈને.
અવતરણ નહિ મળે ફરી ‘સુધીર’ કાઢજે નામ, આદમી થઈને.
- સુધીર પટેલ

સનદ આપે !

હદ વગરનું પ્રથમ દરદ આપે,
બાદ મીરા સરીખું ૫દ આપે !

કીડી કે ગજ સમું છો કદ આપે,
ચાહું કે લેશ ૫ણ ના મદ આપે !

કોઇ ઉઘારી એ ચલાવે ન‍હી,
એ સમય છે, બઘું નગદ આપે !

ચાલ જીવનની ટૂંકી દઇ,
એ રમતને ના કોઇ હદ આપે !

કર સમર્પિત સ્‍વયંને તું ‘સુઘીર’,
શકય છે પ્રેમની સનદ આપે !
- સુઘીર ૫ટેલ

બચાવે છે મને !

સમયના વ્હેણમાં કેવો વહાવે છે મને,
ડૂબાડે તો કદી સરસર તરાવે છે મને.

પ્રથમ કો’ અટપટા માર્ગે ફસાવે છે મને,

પછી મોઘમ ઇશારાથી બચાવે છે મને !

નથી કોઈ ખબર એનાં રહસ્યોની મને,

નહીં તો ખાસ અંગતમાં ગણાવે છે મને !

ફરક બસ એટલો કે અન્યને દેખાય નહિ,

અરીસા જેમ પોતામાં છુપાવે છે મને !

નહીં તો કેમ એને હું મળું ક્યારેય પણ ?

ભીતર જોજનનાં જોજન ચલાવે છે મને !

અમસ્તા કોઈને સૂઝે નહીં શબ્દો ‘સુધીર’,

કૃપા એની ગઝલ કાયમ લખાવે છે મને.
-સુધીર પટેલ

સુંદરમાં રહો !

ના અર્થમાં કે ફક્ત અક્ષરમાં રહો,
સંવાદના નાજુક સૌ સ્તરમાં રહો !

અંજળ હશે તો આવી ચડશું કોઈ વાર,
એકાદ સાંજે એમ બસ ઘરમાં રહો !

બિન્દાસ ના રહેશો અજાણ્યા શ્હેરમાં,
થોડી ફિકર સાથે જરા ડરમાં રહો !

બસ એ જ મારું ને કલાપીનું મનન,
સુંદર બનો ને એમ સુંદરમાં રહો !

નડતર નહીં તો માર્ગમાં બનશો ‘સુધીર’,
ઉંબર નહીં, કોઈના અંતરમાં રહો !
સુધીર પટેલ

બધું છોડી ઊભા

ત્યાં તળેટી પર બધું છોડી ઊભા
ને ગઝલને ટોચ પર ખોડી ઊભા

જલ, ભૂમિ, આકાશ, અગ્નિ ને હવા
એ બધાથી તંતુ કૈં જોડી ઊભા

શું તરી જાવું કે ડૂબવું નાખુદા
રણ વચાળે રાખીને હોડી ઊભા

રંગ આવીને ભરે મોસમ કદી
વૃક્ષ-ચિત્રો ભીંત પર ચોડી ઊભા

જોઇ જોઇ ખૂદને બસ થાકી ગયા
એટલે દર્પણ બધાં ફોડી ઊભા

એ પછી પણ ક્યાંય ના પહોંચ્યા ‘સુધીર’
જેટલું દોડાયું તે દોડી ઊભા
સુધીર પટેલ

દલીલ કોણ કરે ?

જાત સામે દલીલ કોણ કરે ?
ને સ્વયંને જલીલ કોણ કરે ?

માંડ એને મળ્યો હશે આ ઢાળ,
દોડવામાં તો ઢીલ કોણ કરે ?

આંખ આવીને સૌ લૂછી જાતાં,
પણ અહીં ખુશ દિલ કોણ કરે ?

માન ના માન, કોક છે, નહિતર
તારલા ઝિલમિલ કોણ કરે ?

શબ્દ મારો સીધો સરળ ‘સુધીર’,
વાત સહેલી જટિલ કોણ કરે ?

સુધીર પટેલ

મળજો મને

હોય જે કૈં શક્યમાં મળજો મને,
સાવ પૂરા સત્યમાં મળજો મને.

ના રહે અવકાશ કોઇ તર્કનો,
શુદ્ધ એવા તથ્યમાં મળજો મને.

સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,
એમ ફરતા લક્ષ્યમાં મળજો મને !

બસ મળો તો આપણા થૈને મળો,
ના કદી પણ અન્યમાં મળજો મને.

કોઇ અંતિમનો નથી આગ્રહ ‘સુધીર’,
એ જ ઇચ્છું મધ્યમાં મળજો મને !

સુધીર પટેલ

શનિવાર, 1 ઑગસ્ટ, 2009

એક મુલાકાત

એક મુલાકાત ભવ્ય થઈ ગઈ બસ,
જિન્દગી આજ ધન્ય થઈ ગઈ બસ.

બોલ એ કેટલા સહજ બોલ્યા,
વાત સીધી ને ગમ્ય થઈ ગઈ બસ.

શું કહું એ નજરનો જાદુ પણ,
સૃષ્ટિ સઘળી ય રમ્ય થઈ ગઈ બસ.

રંજ પણ ના રહ્યો જુદાઈનો,
ગોઠડી રોજ શક્ય થઈ ગઈ બસ.

શબ્દ ઓઢી ગઝલ મળે ‘સુધીર’,
કલ્પના એ ય તથ્ય થઈ ગઈ બસ.
સુધીર પટેલ